ભિલોડા : અરવલ્લી જિલ્લામાં સાયબર ઠગાઈના બનાવોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ભિલોડા તાલુકાના એક યુવકના બેંક ખાતામાંથી તબક્કાવાર રૂ. 58 હજારથી વધુની રકમ ઉપડી જતાં ચકચાર મચી છે. આ મામલે ભોગ બનનાર યુવકે અરવલ્લી જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી નાણાં પરત અપાવવા તેમજ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ યુવકના બેંક ખાતા સાથે સંકળાયેલી ઓનલાઈન નાણાકીય લેવડદેવડ દરમિયાન અજાણ્યા શખ્સો દ્વારા છેતરપિંડી કરવામાં આવી હતી. યુવકના ICICI બેંક ખાતામાંથી અલગ-અલગ સમયગાળામાં રૂ. 300, રૂ. 4,750, રૂ. 40,499, રૂ. 9,500 અને રૂ. 3,000 મળી કુલ રૂ. 58,049 જેટલી રકમ ઉપાડી લેવામાં આવી હોવાનું ફરિયાદમાં દર્શાવવામાં આવ્યું છે.

ફરિયાદમાં વધુમાં જણાવ્યા મુજબ તા. 9 નવેમ્બર 2026ના રોજ સવારે 9:27થી 9:42 કલાક દરમિયાન વિવિધ ટ્રાન્ઝેક્શન મારફતે ખાતામાંથી નાણાં ઉપાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત અગાઉ પણ ખાતામાંથી નાણાં કપાયાની વિગતો રજૂ કરવામાં આવી છે.
આ સમગ્ર મામલે ભોગ બનનાર દ્વારા સાયબર ક્રાઈમ પોર્ટલ પર ફરિયાદ નોંધાવી એકનોલેજમેન્ટ નંબર પણ મેળવવામાં આવ્યો છે. ત્યારબાદ તા. 9 નવેમ્બર 2026ના રોજ અરવલ્લી જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસને લેખિત રજૂઆત કરી સમગ્ર ઘટનાની તપાસ કરવા, નાણાકીય વ્યવહારોની તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવા અને ગુમાવેલી રકમ પરત અપાવવા માંગ કરવામાં આવી છે.
સાયબર છેતરપિંડીથી બચવા નાગરિકોએ અજાણી લિંક પર ક્લિક કરવાનું ટાળવું, બેંકની ગુપ્ત વિગતો કોઈની સાથે શેર ન કરવી અને શંકાસ્પદ નાણાકીય વ્યવહાર જણાય તો તાત્કાલિક 1930 સાયબર હેલ્પલાઇન પર સંપર્ક કરવો જરૂરી છે.

