અરવલ્લી જિલ્લામાં નશાના કારોબાર સામે પોલીસની લાલ આંખ... શામળાજીના ગલીસીમરો ગામમાં મકાઈ અને જુવારના પાકની આડમાં ચાલતી ગાંજાની ખેતીનો પર્દાફાશ થયો છે. અરવલ્લી જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એન્ટી નાર્કોટિક્સ વિંગ અને એસઓજીની સંયુક્ત ટીમે કાર્યવાહી કરી ગાંજાના 169 લીલાછમ છોડ ઝડપી પાડ્યા છે. પોલીસે અંદાજે 43.12 લાખ રૂપિયાની કિંમતનો ગાંજાનો જથ્થો જપ્ત કરી અનિલ મરતા ડામોરની ધરપકડ કરી છે.
અરવલ્લી જિલ્લામાં નશાના કારોબાર અને ગેરકાયદે ગાંજાની ખેતી સામે પોલીસતંત્ર સક્રિય બન્યું છે. શામળાજી પંથકના ગલીસીમરો ગામના ડામોર ફળિયામાં રહેતા અનિલ મરતા ડામોરે પોતાના કબજાના ખેતરમાં મકાઈ અને જુવારના પાકની વચ્ચે ગાંજાનું વાવેતર કર્યું હોવાની ગુપ્ત બાતમી પોલીસને મળી હતી.

બાતમીના આધારે અરવલ્લી જિલ્લા એન્ટી નાર્કોટિક્સ વિંગ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે એફએસએલની ટીમને સાથે રાખીને સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી. ખેતરમાં તપાસ દરમિયાન મકાઈ અને જુવારના ઊંચા છોડની વચ્ચે ગાંજાના કુલ 169 છોડ મળી આવ્યા હતા.
પોલીસે ગાંજાના છોડ સહિતનો જથ્થો જપ્ત કરી અંદાજિત 43.12 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે અનિલ મરતા ડામોરની ધરપકડ કરી શામળાજી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બીજી તરફ, અરવલ્લી જિલ્લામાં યુવાનોમાં ગાંજાના વ્યસનને લઈને પણ ચિંતાનો માહોલ છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં નશાના દૂષણને ડામવા પોલીસતંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ખેતીની આડમાં ગાંજાનું વાવેતર થવાની આ ઘટના સામે આવતાં નશાની ખેતી કરતા તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવાની જરૂરિયાત ફરી એકવાર સામે આવી છે.

