અરવલ્લી જિલ્લાના શામળાજી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા NDPS એક્ટના ગુનામાં છેલ્લા છ વર્ષથી નહીં, પરંતુ વર્ષ 2021થી ફરાર રહેલા ગેઝેટ મુજબના આરોપીને અરવલ્લી જિલ્લા પેરોલ-ફર્લો સ્ક્વોડે દિલ્હી ખાતેથી ઝડપી પાડ્યો છે. આરોપી વર્ષ 2021માં શામળાજીની રતનપુર ચેકપોસ્ટ પર આશરે 24 કિલો ચરસ સાથે પકડાયેલા કેસમાં સંડોવાયેલો હતો અને ત્યારથી ફરાર હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, અરવલ્લી જિલ્લા પેરોલ-ફર્લો સ્ક્વોડના પી.એસ.આઈ. પી.પી. સોલંકી તથા તેમની ટીમ જિલ્લાના નાસતા-ફરતા અને વચગાળાના જામીન પર છૂટી ફરાર થયેલા આરોપીઓને શોધવાની કામગીરી કરી રહી હતી. તે દરમિયાન અ.હે.કો. રાજેશકુમાર સોમાભાઈ ને બાતમી મળી હતી કે શામળાજી પોલીસ સ્ટેશનના ગુના રજિસ્ટર નંબર 182/2021, NDPS એક્ટની કલમ 20(B), 22(C) અને 29 મુજબના ગુનામાં ફરાર આરોપી રવીકુમાર ચેતનસિંગ કુમાર દિલ્હી ખાતે પોતાના ઘરે રહે છે.બાતમીના આધારે પેરોલ-ફર્લો સ્ક્વોડની ટીમે દિલ્હી સ્થિત રોહિણી સેક્ટર-4ના વિજય વિહાર ફેઝ-2માં આવેલા મકાન નંબર K-151 ખાતે તપાસ હાથ ધરી હતી. ત્યાંથી આરોપી રવીકુમાર ચેતનસિંગ કુમાર મળી આવતાં તેની પૂછપરછ કરવામાં આવી હતી.

પૂછપરછ દરમિયાન તેણે વર્ષ 2021માં પોતાના મિત્ર કરણ શર્મા સાથે ટેમ્પો ટ્રાવેલર ગાડીમાં આશરે રૂ. 36 લાખની કિંમતનો 24 કિલોગ્રામ માદક પદાર્થ ચરસ લઈને ગુજરાતમાં પ્રવેશતી વખતે શામળાજીની રતનપુર ચેકપોસ્ટ ખાતે પકડાવાની ઘટના અંગેની હકીકત જણાવી હતી. તે સમયે પોતે સ્થળ પરથી ભાગી ગયો હોવાનું અને ત્યારથી ફરાર હોવાનું પણ જણાવ્યું હતું.આરોપી ગેઝેટ મુજબનો ફરાર આરોપી હોવાનું સામે આવતાં ટીમે તેને ઝડપી લઈ મોડાસા ખાતેની પેરોલ-ફર્લો સ્ક્વોડની કચેરીએ લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ ગુનાની વધુ તપાસ અને આગળની જરૂરી કાર્યવાહી માટે આરોપીને શામળાજી પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
અરવલ્લી પેરોલ-ફર્લો સ્ક્વોડની આ કામગીરીથી લાંબા સમયથી ફરાર આરોપીને પકડી પાડવામાં સફળતા મળી છે.

